સ્વાદિષ્ટ સેવઉસળ ઘરે બનાવો….

તા.22.01.2021 – સંસ્કારીનગરી વડોદરાનું સેવઉસળ સ્વાદ રસિકોમાં અત્યંત ફેવરિટ છે. સેવઉસળની વાત આવે એટલે વડોદરાવાસીઓના મોઢામાં પાણી છૂટે તે વાત નિશ્ચિત છે. તીખુ તમતમાટ અને જીભે જેનો સ્વાદ લાંબા સમય સુધી રહે તેને સેવઉસળ કહેવાય…સેવઉસળ વિના વડોદરાની કલ્પના કરવી અશક્ય છે. શહેરના લગભગ તમામ રસ્તા પર તમને સેવઉસળ આસાનીથી મળી જશે. તરી, રસો અને લસણની ચટણી જેવા અનોખા સંયોગથી બનેલા સેવઉસળમાં બન ઝબોળીને ખાવામાં જે મઝા છે તે કદાચ પિઝા, સેન્ડવિચ કે, બર્ગરમાં નથી. હવે તો વડોદરાની મોટી મોટી અને વૈભવી હોટલમાં પણ સેવઉસળ મળવા લાગ્યા છે. રેસકોર્સ વિસ્તારની એક હોટલમાં તો સેવઉસળનું ફોન્ડ્યુ પણ મળતુ થયુ છે. આશ્ચર્યની વાત તો એ છે કે, ગોરવા વિસ્તારના સમતામાં તો નોનવેજ સેવઉસળ પણ મળવા લાગ્યું છે. ચાલો ત્યારે આપણે જો વડોદરામાં નથી અને વડોદરાના સેવઉસળનો સ્વાદ માણવો છે તે શરૃ કરો ઘરે સેવઉસળ બનાવવનું…આ રહી રેસિપી…..

સામગ્રી

 • ૨ કપ સૂકા વટાણા
 • ૧ કપ બાફેલા બટાટા
 • ૧/૨ કપ સમારેલા ટામેટાં
 • ૧ ડુંગળી ઝીણી સમારેલી
 • ૨ લીલા મરચાં
 • ચપટી હીંગ
 • ૧/૨ ચમચી જીરુ
 • ૧/૨ ચમચી હળદર
 • ૨ ચમચી લાલ મરચું
 • ૨ ચમચી ધાણાજીરું
 • ૧ ચમચી ગરમ મસાલો
 • ૧/૨ લીંબુ
 • કોથમીર સમારેલી
 • મીઠું સ્વાદ મુજબ
 • ૧ ચમચો તેલ
 • મીઠી ચટણી
 • તીખી (લીલી) ચટણી
 • લસણ ની ચટણી
 • ઝીણી સેવ અથવા ઝીણા ગાંઠીયા

સેવઉસળ બનાવવાની પધ્ધતિ

હવે એક નોન સ્ટીક પેનમાં ૧ ચમચો તેલ ગરમ કરવા મૂકો, તેમા ૧/૨ ચમચી જીરુ,સમારેલા લીલા મરચાં, ચપટી હીંગ નાખી ૧/૨ કપ સમારેલા ટામેટાં નાખવા.

હવે તેમા ૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી હળદર, ૨ ચમચી ધાણાજીરું, ૧ ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ ઉમેરી બરાબર હલાવવું.

હવે તેમા બાફેલા વટાણા અને ૧ કપ બાફેલા બટાકા એકદમ ઝીણા સમારી ને નાખો અને બરાબર હલાવો , ત્યારબાદ તેમાં ૨ કપ પાણી નાખીને થોડી વાર ધીમા તાપે ઉકાળવા દો.

હવે તેમા લીંબુ નો રસ નાખી ગેસ બંધ કરી દો તો આપણું ઉસળ તૈયાર છે, હવે તેને એક બાઉલ માં કાઢી લો.

હવે ઉસળ ને ગાર્નીસ કરીશું, થોડી સમારેલી ડુંગળી, સમારેલા ટામેટાં,મીઠી ચટણી, લીલી (તીખી) ચટણી,લસણની ચટણી , કોથમીર અને ઉપર થી થોડી ઝીણી સેવ નાખો અથવા ઝીણા ગાંઠીયા નાખવા.હવે ગરમા ગરમ પીરસો રગડા જેવું જ સેવ ઉસળ.

જો અમારી રેસીપી તમને પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ .

2 thoughts on “સ્વાદિષ્ટ સેવઉસળ ઘરે બનાવો….

 1. વાહ ભાઈ વાહ! મન “તરી તરી” થઈ ગયું!!!

Comments are closed.