ઘર આંગણે ઉગાડાતી તુલસીના શ્રેષ્ઠ ઔષધિય ગુણો વિષે જાણો

હેલ્થ ડેસ્ક – મોટાભાગના લોકો એવા હશે કે, જેમણે કોરોના કાળમાં પહેલી વખત ઈમ્યુનિટિ વિષે સાંભળ્યુ કે, વાંચ્યુ હશે. હિન્દુઓના ઘરના આંગણે ઉગાડવામાં આવતી તુલસીના ઔષધિય ગુણોથી આપણે સૌ ભલે વાકેફ હોઈએ પણ તેનુ સેવન કરવાનો વિચાર આપણને કોરોના કાળમાં જ આવ્યો હશે.

હકીકત એ છે કે, તુલસી, માંજર, તેના પાન અને ડાળખીઓમાં મોટા પ્રમાણમાં ઔષધિય ગુણો સમાયેલા હોય છે. નાની-મોટી બિમારીઓને દૂર રાખવા માટે એટલે કે, ઈમ્યુનિટી વધારવા માટે તુલસીનો પુરાતન કાળથી ઉપયોગ થઈ રહ્યો છે.

વાયરલ ડિસિઝમાં તો તુલસીની માત્ર સુવાસ પણ ગુણકારી સાબિત થઈ શકે છે. તુલસીનો રસ તાવ, મેલેરિયા, ડેન્ગ્યૂ જેવા રોગોને ભગાડવામાં મદદરુપ સાબિત થઈ શકે છે.

આપણી આજુબાજુ આંગણામાં જ ખૂબ સરળતાથી તુલસીનો છોડ મળી જાય છે. તુલસીનાં માંજર, પાન, ડાળખી અને બીજ આ બધા જ ઔષધિય ગુણો ધરાવે છે. તુલસીને નાની-મોટી બીમારીમાં શી રીતે વાપરી શકાય તે જાણીએ.

૧૨-૧૪ તુલસીનાં પાન, ડાળખા અને માંજર સાથે દોઢ કપ પાણીમાં અડધો કલાક પલાળ્યા બાદ, પાણી ઉકળીને એક કપ બાકી રહે, ત્યારબાદ નવશેકું ઠંડુ થયે તેમાં મધ અથવા થોડો દેશી ગોળ ભેળવી પીવાથી ગળાનો સોજો, ગળામાં દુખાવો, ખાંસી-શરદી, વાયરલ કે મેલેરિયા તાવમાં એન્ટીઇન્ફલેમેટરી દવાની માફક જ ગળાનો દુખાવો-સોજો મટાડવામાં મદદ કરે છે.

તુલસીનો નવશેકો ઉકાળો પીધાના થોડા સમય બાદ પરસેવો વળી તાવ ઉતરવા લાગે છે. ડેન્ગ્યુ કે વાયરલ તાવમાં હાઈગ્રેડ ફિવરથી પીડાતા દર્દીનાં પીવાના પાણીમાં તુલસીનાં પાન નાખી ઉકાળી અને ગાળી ઠંડુ થયેલું પાણી જ પીવડાવવાથી રિકવરી જલ્દી થાય છે.