સિમેન્ટ-સ્ટિલના ભાવમાં ભડકાથી બિલ્ડરો પરેશાન, CREDAIનું આવેદનપત્ર

વડોદરા – કોરોના મહામારી અને લોકડાઉનના કારમા મારથી ભોંયભેગા થયેલા બાંધકામ ઉદ્યોગને લગભગ એકવર્ષ બાદ માંડ કળ વળી છે ત્યાં પાછા બિલ્ડીંગ મટિરિયલના ભાવ વધારાએ પડતા પર પાટુ જેવો ઘાટ સર્જયો છે. બિલ્ડીંગ મટિરિયલની કિંમતોમાં અચાનક ભડકો થતા બિલ્ડરો મુશ્કેલીમાં મુકાયા છે.

સ્ટિલ, સિમેન્ટ, ડામર અને બીજા બિલ્ડીંગ મટિરિયલ્સની કિંમતોમાં એકાએક ઉછાળો આવતા બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે. આજે કોન્ફેન્ડરેશન ઓફ રિયલ એસ્ટેટ ઓફ ઈન્ડિયા (ક્રેડાઈ)ના વડોદરા ચેપ્ટરના પદાધિકારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતુ. ક્રેડાઈના પ્રમુખ પ્રતેશ શાહે જણાવ્યુ હતુ કે, કોરોના મહામારી અને લોકડાઉનની સૌથી ગંભીર અસર રાજ્યના બાંધકામ ઉદ્યોગને થઈ છે.

કોરોના કારણે મંદીનો માર વેઠી રહેલા બાંધકામ ઉદ્યોગ પર હાલમાં બિલ્ડીંગ મટિરિયલ્સના ભાવ વધારાનું નુકસાન તોળાઈ રહ્યુ છે. સિમેન્ટ અને સ્ટિલના મોટા ઉદ્યોગપતિઓએ કાર્ટેલ રચીને રાજ્યના બાંધકામ ઉદ્યોગને બાનમાં લેવાની કોશિષ કરી છે. આવા સંજોગોમાં બાંધકામ ઉદ્યોગને બચાવવા માટે સરકારે સિમેન્ટ અને સ્ટિલની કિંમતો પર રેગ્યુલેટરીની રચના કરવી જોઈએ.

સ્ટિલ અને સિમેન્ટનો બેઝનેસ કરતા મોટા ઉદ્યોગપતિઓએ ભેગા મળીને બિલ્ડીંગ મટિરિયલ્સના ભાવોમાં અચાનક વધારો કરી દીધો છે. જેનાથી બાંધકામ ઉદ્યોગ સાથે જોડાયેલા બિલ્ડરો તથા કોન્ટ્રાક્ટરોને ભારે નુકસાન થાય તેવી આશંકા છે. આવા સંજોગોમાં સરકારે આગળ આવીને બાંધકામ ઉદ્યોગને બચાવવા માટેના નિર્ણય લેવા જોઈએ.

બિલ્ડીંગ મટિરિયલ્સના ભાવમાં વધારો માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત છે. અન્ય રાજ્યોમાં એની કોઈ અસર નથી. જેથી ગુજરાતના બાંધકામ ઉદ્યોગને બાનમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવુ સ્પષ્ટ જણાય છે.