માં નર્મદાજીની દંડવત પરિક્રમા પર નીકળ્યા છે મુની વશિષ્ઠ, પથરાળ પગદંડી પર રોજ ત્રણ કિલોમીટર દંડવત કરે છે

પેપર પેન – તમે ક્યારેક મંદિરમાં ભગવાનને, કોઈ આશ્રમમાં સાધુ-સંત કે, મહાત્માને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા હશે. દંડવત નમસ્કાર એટલે, શરીરને વાળ્યા વિના દંડની માફક સીધુ રાખી જમીન પર પડીને પ્રણામ કરવુ. તમને હું કહું કે, ચાલો દંડવત કરતા-કરતાં તમારા ઘરનો એક ચક્કર લગાવો તો..

તમે કહેશો કે, આવુ તે કાંઈ થતુ હશે. આમા તો શરીર અક્કડ થઈ જાય અને દુઃખાવાના લીધે આખી રાત ઉંઘ ના આવે. પણ જો હું તમને કહું કે, એક ભાઈ દંડવત કરતા-કરતા 3600 કિલોમીટરની યાત્રા પર નીકળ્યા છે. તો શુ તમે મારી વાત સાચી માનશો ? તમે ફરી કહેશો કે, ભાઈ શુ ગપ્પુ મારો છો. સવારથી હું જ મળ્યો ?

તમને ભલે વિશ્વાસ ના પડે પણ હું એક એવા વ્યક્તિને જાણુ છું કે, જેઓ છેલ્લા પંદર મહિનાથી રોજ ત્રણ-ચાર કિલોમીટર સુધી દંડવત કરતા-કરતા આગળ વધી રહ્યા છે. આ મહાત્મા નર્મદાજીની દંડવત પરિક્રમાએ નીકળ્યા છે. એમનું નામ છે, મુની વશિષ્ઠ.

એક વખત હું એમને મળેલો અને મેં એમને પણ આ સવાલ કરેલો કે, બાબા રોજ દંડવત કરવાથી તમને થાક નથી લાગતો ? તો એમનો જવાબ સાંભળીને હું દંગ રહી ગયો. એમણે મને કહ્યું કે, જેવી રીતે ગરમ લોઢી પર રોટલી પલટાવતી વખતે આંગળીના ટેરવે લાગેલા ચટકાનો જે આનંદ માતાને મળતો હોય તેવો જ નીજાનંદ નર્મદાજીની દંડવત પરિક્રમાનું કષ્ટ વેઠીને મને મળે છે. એમણે કહ્યુ…મને એટલુ ખબર છે કે, સંગેમરમરના જે પથ્થર પર છીણી અને હથોડી વડે કોતરકામ થાય તે જ પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ બને અને લોકો એની પૂજા કરે. જે કાર્યમાં મુશ્કેલી નડે, કષ્ટ પડે, દુઃખ મળે. એ જ કામમાં આગળ જતા એટલી સફળતા મળે કે વાત ના પૂછો.

નર્મદાજીની પરિક્રમા ખૂબ જ દુર્લભ છે. તેમાંય દંડવત પરિક્રમા એ તો બ્રમ્હાંડની સૌથી મોટી યાત્રા ગણાય છે. મારુ સૌભાગ્ય છે કે, આવી દુર્લભ અને અશક્ય ગણાતી પરિક્રમા કરવાની મને તક મળી છે. માં નર્મદાજીના આશીર્વાદથી છેલ્લા 15 મહિનાથી હું રોજ નિયમીત ત્રણથી ચાર કિલોમીટર સુધી દંડવત કરુ છું અને બપોર પછી નદીકાંઠાના કોઈ આશ્રમ કે, મંદિરમાં રોકાઈ જાઉં છું. માતાજીનાં આશીર્વાદથી મને અત્યાર સુધી કોઈ તકલીફ પડી નથી અને મને વિશ્વાસ છે કે, માં નર્મદા ભવિષ્યમાં પણ મારો ખ્યાલ રાખશે.

હું મૂળ ભોપાલના નર્મદાપૂરમનો રહેવાસી છું. મારી એક દુકાન પણ છે. જે હાલમાં છોકરા ચલાવે છે. હું પહેલા બે વખત પરિક્રમા કરી ચુક્યો છું. પહેલી વખત મેં ચાલતા-ચાલતા પરિક્રમા કરી. બીજી વખતે મેં મૌન ધારણ કરીને પરિક્રમા કરી. જે વખતે હું કશુય બોલ્યા વિના ચુપચાપ પરિક્રમા કરતો હતો તે વખતે માં નર્મદાજીએ જ મને પ્રેરણા આપી કે, એક વખત દંડવત પરિક્રમા કરવી જોઈએ.

દંડવત પરિક્રમા વિષે મેં ઘણુ વિચાર્યું, વાંચ્યુ અને સાંભળ્યુ પણ ખરુ. જેમાં મને જાણવા મળ્યુ કે, માત્ર ભારત દેશની જ નહીં પરંતુ, આખા બ્રમ્હાંડની સૌથી મોટી યાત્રા એટલે, માં નર્મદાજીની દંડવત પરિક્રમા. માત્ર વિશ્વની જ નહીં પરંતુ, બ્રમ્હાંડની એટલા માટે કે, નર્મદા પરિક્રમા કરવી હોય તો દેવતાઓને પણ મનુષ્ય જન્મ લેવો પડે. એટલે બ્રમ્હાંડની સૌથી મોટી, સૌથી અઘરી અને સૌથી કષ્ટદાયક યાત્રા એટલે કે, નર્મદાજીની દંડવત પરિક્રમા. આખરે મેં દંડવત પરિક્રમા કરવાનો દ્રઢ સંકલ્પ લીધો.

દંડવત પરિક્રમા કરવા માટે કોઈ પૂર્વતૈયારી કરવાની ન હતી. થેલામાં જેટલો આવે એટલો હાથવગો સામાન લેવાનો હતો. પરંતુ, સૌથી અગત્યની વાત એ હતી કે, મારે આત્મબળ વધારવાનું હતુ. પરિશ્રમ અને કષ્ટ માટે તૈયાર રહેવાનું હતુ અને માં નર્મદાજી પર અતૂટ શ્રધ્ધા રાખવાની હતી. પંદરેક મહિના પહેલા જ્યારે હું દંડવત પરિક્રમા પર નીકળ્યો. ત્યારે મારે ઓમકારેશ્વરથી ગુજરાત તરફ આવવાનું હતુ. રોજ નિયમીત દંડવત કરવાનો મારો કોઈ અનુભવ ન હતો. પરંતુ, એટલુ જરુર ખબર હતી કે, નર્મદાજી તેમના ભક્તોની રક્ષા કરે છે અને તેમના સઘળા દુઃખ દૂર કરી દે છે. શરુઆતના એક મહિના સુધી તો દંડવત કરી-કરીને શરીર અક્કડ થઈ જતું. દુઃખાવાના કારણે રાત્રે ઉંઘ ના આવે અને બીજા દિવસે ફરીથી દંડવત કરવાની હિંમત જ ના થાય. પણ સવારે જેવા નર્મદાજીમાં ડૂબકી લગાવીએ કે, શરીરનો બધો દુઃખાવો અને મનની બધી જ શંકાકુશંકા ધોવાઈ જાય. અને પાછા બિલકુલ તંદુરસ્ત બનીને ગજબની સ્ફુર્તિ અને ઉત્સાહ સાથે દંડવત કરવા મંડી પડીએ.

તમને જાણીને આશ્ચર્ચ થશે કે, મારી ઉંમર 50 વર્ષથી વધારે છે અને હું રોજ ત્રણ કિલોમીટર દંડવત કરું છું. ઉબડખાબડ રસ્તા પર કાંકરા, રેતી, ધૂળ અને કાંટા પણ પથરાયેલા હોય. કેટલાક સ્થળોએ તો દંડવત કરતા કરતા નાના ડુંગરો ચડવા પડે અને ઉતરવા પણ પડે. પણ નર્મદે હર….બોલતા રહીએ એટલે આપોઆપ બધી જ તકલીફો દૂર થતી જાય. હાલમાં હું વડોદરા જિલ્લાના શિનોર પાસે છું અને ધીરેધીરે પણ મક્કમ ગતિથી અમરકંટક તરફ આગળ વધી રહ્યો છું. મને વિશ્વાસ છે કે, માતાજીની કૃપાથી હું એકાદ-બે વર્ષમાં પરિક્રમા પુરી કરી લઈશ. મેં આ વખતે ચાર્તુમાસ નેત્રંગ અને વાલિયાની પાસેના દોલતપુર ગામે દિલીપભાઈને ત્યાં કર્યો હતો. આવતા વર્ષનો ચાર્તુમાસ ઈશ્વર જાણે ક્યાં કરીશ.

(સૂર્યોદય થતાની સાથે જ મુની વશિષ્ઠ પોતાનો થેલો લઈને દંડવત કરવાની તૈયારી શરુ કરી દે. પથરાળ પગદંડી હોય કે, ડામરનો રસ્તો હોય, દંડવત કરે એટલે ઘુંટણ છોલાઈ જાય. સવારની પહોરમાં પહેલા તેઓ ઘુંટણ પર પાટા બાંધે, બુટ પહેરે અને મનમાં માં નર્મદાજીનું સ્મરણ કરતા-કરતા દંડવત કરવાના શરુ કરે. ત્રણ-ચાર કિલોમીટર જેટલું અંતર કાપે, પછી થાકે એટલે પાછા ચાલતા-ચાલતા ત્યાં આવે જ્યાં સવારે તેમણે માં નર્મદાજીનું આસન લગાવ્યુ હોય અને દંડવતની શરુઆત કરી હતી. તેઓ દંડવતની સાથે સાથે પદયાત્રાથી પરિક્રમા કરીને બેવડુ પુણ્ય કમાય છે. બપોર પછી તેઓ જે આશ્રમ કે, મંદિરમાં અથવા જ્યાં જેવી વ્યવસ્થા મળે ત્યાં રોકાયા હોય ત્યાં બેસીને તેમની તે દિવસની આખી દંડવત યાત્રાનાં અનુભવો ડાયરીમાં લખે છે. ખરેખર આવી વિરલ હસ્તી તો નર્મદાકાંઠે જ જોવા મળે. પદયાત્રા અને દંડવત યાત્રા કરનારા મુની વશિષ્ઠની માં નર્મદાજી પ્રત્યેની અપાર શ્રધ્ધા અને અતૂટ વિશ્વાસને સલામ છે. કહેવાય છે કે, દંડવત કરતા કરતા નર્મદાજીની પરિક્રમા કદાચ ત્રણ-ચાર શ્રધ્ધાળુઓ જ કરી શક્યા છે. જેમાંથી મુની વશિષ્ઠ એક છે. નર્મદે હર…)