રાજ્યના પૂર્વ ડીજીપી ગીતા જોહરી કેડિલા ફાર્માસ્યુટિકલના પ્રેસિડેન્ટ બન્યાં

ન્યુઝ ડેસ્ક – ગુજરાતના પહેલા મહિલા IPS ઓફિસર અને રાજ્યના ડીજીપી પદેથી નિવૃત્ત થયેલા ગીતા જોહરીએ હવે કોર્પોરેટ જગતમાં પગરણ માંડ્યા છે. અમદાવાદની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની કેડિલાના તેમને પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા છે.

ગીતા જોહરી એક બાહોશ અને નીડર મહિલા પોલીસ અધિકારીની છાપ ધરાવતા હતા. વર્ષ 1982ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ હતા અને તેમણે ગુજરાત પોલીસના ઘણા અગત્યના પદો પર કાર્યભાર સંભાળ્યો હતો.

આઈપીએસ ઓફિસર તરીકેની 35 વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન તેમણે કેટલાક મહત્વના કેસોની તપાસ કરી હતી.

વર્ષ 1992માં અમદાવાદના ડોન અબ્દુલ લતિફને ત્યાં દરોડો પાડવાની ઘટના હોય કે, પછી વર્ષ 2005માં બહુચર્ચિત શોહરાબુદ્દીન કેસની તપાસ હોય. ગીતા જોહરીએ હાથમાં લીધેલા તમામ કાર્યો ખૂબ જ ખંત અને પ્રામાણીકતાથી પાર પાડ્યા હતા. રાજ્યના પોલીસ વડા બન્યા પછી તેઓ નિવૃત્ત થયા હતા. હાલમાં તેઓ કેડિલા ફાર્માના પ્રેસિડન્ટ બન્યા છે.