પ્રજાની આશા અને નેતામાં સત્તાની લાલસા જગાડે એનુ નામ ચૂંટણી

Editor – કોઈ ઉમદા લેખકે લખ્યુ છે કે, ચૂંટણી આવી…ચૂંટણી આવી…ઘરડી બાના બારણે જાણે દીકરી આવી..આ વાક્ય જેટલુ સંવેદનશીલ અને લાગણીથી છલોછલ છે એટલું જ આશા, આકાંક્ષા અને અપેક્ષાથી ભરેલુ છે. ચૂંટણી આવે એટલે પ્રજાને વિકાસની અને અધૂરા પડેલા કામોને પૂરા થવાની આશા જાગે. બીજી તરફ ભૂલાયેલા, વિસરાયેલા અને કોરાણે મૂકાયેલા નેતાઓને સત્તાની લાલસા જાગે. સાચા અર્થમાં કહીએ તો, આશા કે, લાલસા…બધાને જગાડે એનુ નામ ચૂંટણી.

ઉમેદવારો રાજશાસ્ત્રનો કક્કો જાણે છે ખરાં ?

ગુજરાતમાં હવે પાછી ચૂંટણીની પીપૂડી વાગી ચુકી છે. રાજ ખટપટો કરીને નેતા બનવાના ઓરતા સાથે અનેક લાયક કે, નાલાયક ઉમેદવારો ચૂંટણી લડવા મેદાને ઉતરી પડ્યાં છે. આ વખતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે. રાજ્યના છ મહાનગરો અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીનો પ્રચારનો દોર પુરજોશમાં શરુ થઈ ચુક્યો છે. કોરોનાનો ભય હોવા છતાંય સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડતા નેતાઓ રોજ સવારે સમર્થકોના ટોળાં લઈને લોક સંપર્કમાં નીકળી રહ્યા છે. પણ સવાલ એ છે કે, ચૂંટણી લડી રહેલા ઉમેદવારો ખરેખર રાજકારણનો કક્કો-બારાખડી જાણે છે ? રાજકારણ, રાજય શાસ્ત્ર, રાજ શાસન વિદ્યા અને અંગ્રેજીમાં કહીએ તો Politicsનો એકડો જાણે છે ?

સેવાના સોનેરી નામે સેવાસદનમાં એન્ટ્રી મારવાની આશા

જો રાજકારણ વિષે તમે એમને કોઈ સવાલ પુછશો તો તેઓ થોથવાઈ જશે. તમે એમ પુછશો કે, ચૂંટણી જીતીને તમે શુ કરશો ? તો તેમનો Most common જવાબ હશે કે, અમે જનતાની સેવા કરીશું. સેવાના નામે પાછલા બારણે મહાનગર સેવાસદનમાં એન્ટ્રી મારવા માટે પ્રચારના હવાતિયાં મારનારા આવા લાલચુ રાજનેતાઓ પાસે તમારા સવાલનો જવાબ નહીં હોય. ક્યારેક ચકાસી જોજો. અલબત્ત, આપણે પણ હવે આવા કામચલાઉ રાજનેતાઓને આડકતરી રીતે સ્વિકારતા થયા છે. આપણને સમજાતુ નથી કે, હવે રાજકારણ માત્ર મુત્સદ્દીઓ, રાજપુરુષો, નેતા, કોલેજના પ્રોફેસરો કે, વિદ્યાર્થીઓ પૂરતુ મર્યાદિત નથી રહ્યુ.

હવે તો, પાનના ગલ્લે પણ ટ્રમ્પ-બાઈડેનની ચર્ચા થાય છે

અત્યારે તો ચોરેચોતરે રાજકારણની ચર્ચા છે. ગલી કે, સોસાયટીના નાકે પાનના ગલ્લા પર પણ ટ્રમ્પ અને બાઈડેનની ચર્ચા થાય છે. દિલ્હીમાં ધમધમી રહેલા કિસાન આંદોલનની વાત થાય છે. મોદીએ આમ કરવુ જોઈતુ હતુ અને રાહુલ ગાંધીએ આવુ ના કરવુ જોઈએ તેવા સજેશનોની પણ આખેઆખી સિરીઝો ચાલે છે. ચાલો ત્યારે ચૂંટણીમાં આપણે પણ થોડા ઈન્વોલ્વ થઈએ. લોકશાહીના પર્વને ઉજવવાનો ઉત્સાહ દાખવીએ.