ભાજપના દબંગ ધારાસભ્યના પુત્રે અપક્ષમાં ફોર્મ ભરી ભાજપ સામે બાંયો ચડાવી

વડોદરા – ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપકે વડોદરા કોર્પોરેશનની ચુંટણીમાં અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો હતો. દિપક શ્રીવાસ્તવ ભાજપના પૂર્વ કાઉન્સિલર હતા પણ આ વખતે પાર્ટીએ તેમને ટિકિટ આપી ન હતી.

પુત્રને ટિકિટ નહીં મળતા જ વાઘોડિયાના ધારાસભ્ય લાલઘુમ થયા હતા અને તેમણે જાહેરમાં એવુ નિવેદન કર્યું હતુ કે, તેમનો પુત્ર દિપક પાછલી ટર્મમાં ભાજપની ટિકિટ પરથી વડોદરાના વોર્ડ નંબર-15માંથી ચુંટણી લડ્યો હતો.

અને રાજ્યમાં સૌથી વધુ વોટથી જીત હાંસલ કરનારો કાઉન્સિલર બન્યો હતો. તેની લોકપ્રિયતા ઉપર શંકા રાખીને ભાજપે એને આ વખતે ટિકિટ આપી નથી. ચુંટણી લડવા માટે માત્ર ભાજપ પર જ છાપ મારી નથી. દિપક બીજા પક્ષમાંથી ચુંટણી લડી શકે છે.

મધુ શ્રીવાસ્તવે આપેલા આવા વિવાદાસ્પદ નિવેદન બાદ આજે તેમના પુત્ર દિપક શ્રીવાસ્તવે વોર્ડ નંબર – 15માંથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આજે દિપક શ્રીવાસ્તવ પોતાના સમર્થકો સાથે કોઠી કચેરી પહોંચ્યા હતા. અને તેમણે અપક્ષમાં ઉમેદવારી નોંધાવીને ભાજપ સામે બળવો કર્યો હતો.

દિપક શ્રીવાસ્તવ સાથે અનેક એવા ભાજપના નેતાઓ છે કે, આ વખતે તેઓની પણ ટિકિટ કપાઈ છે. હવે, ભાજપના અન્ય નારાજ દાવેદારો પણ બીજા કોઈ પક્ષ કે, અપક્ષ તરીકે ચુંટણી મેદાનમાં ઉતરે તેવી સંભાવના તેજ બની છે. હાલમાં ભાજપના લગભગ દરેક વોર્ડમાં અનેક પાયાના કાર્યકરો ટિકિટ વહેંચણીના નિર્ણયથી નારાજ થયા છે.