મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક સાથે ગાડીમાં ધમકીભર્યો પત્ર મુકવાનું કારણ શુ હોઈ શકે ?

ન્યુઝ ડેસ્ક – દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ગૃપના ચેરમેન મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત આવાસ એન્ટિલાની બહારથી બિનવારસી સ્કોર્પિયો મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ સ્કોર્પિયોમાં વિસ્ફોટક પદાર્થ હોવાનુ જાણવા મળ્યુ છે. ઉપરાંત, તેમાં એક ધમકીપત્ર પણ મુકવામાં આવ્યો હતો. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, મુકેશભાઈ આ તો ટ્રેલર છે. બાકી પુરી વ્યવસ્થા થઈ ચુકી છે.

મુંબઈ પોલીસે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈને ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપી દીધી છે. ક્રાઈમ બ્રાંચની ટીમે એન્ટિલા તથા આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આગળની તપાસ શરુ કરી છે. પોલીસનો અંદાજ છે કે, રાત્રે એક વાગ્યા પછી એન્ટિલાની બહાર આ ગાડી પાર્ક કરવામાં આવી હતી. ગાડી પાર્ક કર્યા પછી ડ્રાઈવર ચુપકિદીથી પલાયન થઈ ગયો હતો.

આ ઘટનામાં પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે, સ્કોર્પિયો ગાડી એન્ટિલાની બહાર પાર્ક કરીને મુકેશ અંબાણીને ધમકી આપવાનું કારણ શુ હોઈ શકે ? આ ઘટનાને પગલે દેશના ઉદ્યોગપતિઓ તથા તેમના પરિવારજનોની સુરક્ષા ઉપર અનેક સવાલો ખડા થયા છે. હાલમાં મુકેશ અંબાણીની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. મુંબઈના ગામદેવી પોલીસ મથકમાં ઉપરોક્ત બનાવ અંગે ગુનો પણ દાખલ કરી દેવાયો છે.