લગ્નના ત્રીજા જ દિવસે નવ પરિણીતાને કોરોના કાળ બનીને ભરખી ગયો

ન્યુઝ ડેસ્ક – હાથની મહેંદી હજી ભુંસાઈ ન હતી, ઘર આંગણે બાંધેલો મંડપ પણ હજી છૂટ્યો ન હતો, લગ્નજીવનમાં હજી તો માંડ પગરણ માંડ્યા હતા. ત્યાં તો નવવધુને કોરોના કાળ બનીને ભરખી જતા પરિવારના માથે જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. વડોદરાના ગોત્રી વિસ્તારમાં બનેલી આ ઘટનાને સાંભળીને કઠણ કાળજાના માણસની આંખમાંથી પણ આંસુ સરી પડે.

વાત એવી બની કે, 1 ફેબ્રુઆરી 2021ના રોજ એટલે કે , આજથી બિલકુલ ત્રણ દિવસ પહેલા ગોત્રી વિસ્તારની એક યુવતીનો લગ્ન સમારંભ યોજાયો હતો. ત્રણ દિવસ પહેલા જ સપ્તપદીના ફેરા ફરીને યુવતીએ લગ્ન જીવનમાં પગરણ માંડ્યા હતા.

પરંતુ, વિધાતાએ કંઈક અલગ જ લેખ લખ્યા હતા. લગ્નના બીજા જ દિવસથી અચાનક તેનુ શરીર ગરમ લાગવા લાગ્યુ. એને તાવ આવતો હતો. પરિવારજનોને એવુ લાગ્યુ કે, કદાચ લગ્નની તૈયારીઓની દોડધામના લીધે થાક લાગ્યો હશે અને તાવ આવ્યો હશે. એટલે કોઈએ આ વાતને ગંભીરતાથી ના લીધી. ત્રણ દિવસ બાદ એટલે કે, આજે સવારે સાત વાગ્યે અચાનક એને ચક્કર આવ્યા અને ઘરમાં જ ફસડાઈ પડી. પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં દાખલ કરી. પણ ટૂંક સમયમાં જ તેના શ્વાસ થંભી ગયા.

લગ્નના ત્રીજા જ દિવસે નવવધુનું મોત થયુ હોવાની વાત કોઈ સ્વિકારવા તૈયાર ન હતુ. કોઈને વિશ્વાસ નહોતો પડતો. ત્રણ દિવસ પહેલ તો એનુ લગ્ન હતુ અને ઉત્સાહપૂર્વક એણે બધી ધાર્મિક વિધિ કરી હતી. અચાનક એવુ તે શુ થયુ ? કે, એનુ પ્રાણ પંખેરુ ઉડી ગયુ. આખરે, ડોક્ટરોએ મૃતકનો કોરોનાનો ટેસ્ક કર્યો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આમ, માત્ર ત્રણ જ દિવસના લગ્નજીવન બાદ નવ પરિણીતાનું કોરોનાના કારણે મોત થતા ગમગીની છવાઈ ગઈ હતી.