વડોદરામાં આર્થિક સંકડામણનો ભોગ બનેલા સોની પરિવારના છ સદસ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી, ત્રણના મોત, ત્રણ ગંભીર

ન્યુઝ ડેસ્ક – વડોદરાના ન્યૂ સમા રોડ પર આવેલી સ્વાતી સોસાયટીમાં આર્થિક સંકડામણનો ભોગ બનેલા સોની પરિવારના છ સદસ્યોએ ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો હતો. ઝેરી દવા પીવાને કારણે પરિવારના ત્રણ સદસ્યોનું સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે ત્રણ જણાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

ન્યૂ સમા રોડ પર આવેલી સ્વાતી સોસાયટીમાં રહેતા સોની પરિવારના મોભીએ આજે અચાનક પોલીસ કંટ્રોલરુમમાં ફોન કર્યો હતો અને પોતે તથા પરિવારના અન્ય સદસ્યો મળી કુલ છ જણાંએ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનુ જણાવ્યુ હતુ. આ સંદેશો મળતાની સાથે જ સમા પોલીસની ટીમ તાબડતોબ સ્વાતી સોસાયટી પહોંચી ગઈ હતી.

પોલીસે 108 એમ્બ્યુલન્સને બોલાવીને ઝેરી દવા ગટગટાવી જનારા છ જણાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, 108 એમ્બ્યુલન્સના સ્ટાફે તપાસ કરતા ત્રણ જણા મૃત હાલતમાં હોવાનુ જણાયુ હતુ. જ્યારે પરિવારના મોભી સહિત અન્ય ત્રણ જણાં જીવીત હોવાનુ જણાતા ત્રણેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો કે, છેલ્લા દોઢ વર્ષથી આ પરિવારની આવક બંધ હતી અને તેઓ આર્થિક સંકડામણનો ભોગ બન્યા હતા. પોલીસે આ બનાવ અંગે તપાસ શરુ કરી છે. પોલીસનું માનવુ છે કે, સોની પરિવારે કોલ્ડ ડ્રીંક્સની બોટલમાં જંતુનાશક દવા ભેળવીને તેને પી લીધી હતી. જોકે, પોલીસની વધુ તપાસમાં સામૂહિક આપઘાતના પ્રયાસના રહસ્ય પરથી પડદો ઉંચકાશે.