International Women’s Day નિમિત્તે એવી સેવાભાવી મહિલાની વાત, જેણે દુષ્કર્મની 86 પિડિતાઓનાં આંસુ લૂંછ્યા છે…

ન્યુઝ ડેસ્ક – જીવનના રંગમંચ પર મહિલાઓ કેવી ભૂમિકા ભજવે છે ? તેની કલ્પના કરવી અઘરી છે. અહીં, વાત માતા, પત્ની, બહેન કે, પછી બીજા કોઈ સગપણની નહીં પણ એવા સંબંધની છે જેનો વિચાર પણ તમને ક્યારેય નહીં આવ્યો હોય. વિશ્વ મહિલા દિવસે એટલે કે, આજે અમારે વાત વડોદરાની શોભના રાવલ નામની સેવાભાવી મહિલાની કરવી છે. એમની સેવા એટલી અલગ અને આકરી છે કે, જેમાં માત્ર મદદનો ભાવ જ નહીં પણ સાથે કરુણા, લાગણી અને દુઃખ જેવી સંવેદનાઓ જોડાયેલી છે.

સાડીના પાલવથી કોઈકના આંસુ લૂંછવાનું કામ લગભગ બધી જ મહિલાઓ કરતી હશે પણ શોભનાબેન જેના આંસુ લુંછે છે એ એવી યુવતી કે, મહિલાઓ છે કે, જેની પિડાની કલ્પના માત્ર પણ હચમચાવી મુકે. અમે જેમની વાત કરી રહ્યા છે તે શોભનાબેન રાવલ હકીકતમાં ગુજરાતના વિવિધ શહેરો અને અંતરિયાળ ગામડામાં દુષ્કર્મનો ભોગ બનેલી પિડિતાઓની મદદ કરે છે અને એમને કારમા આઘાતમાંથી બહાર લાવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, અત્યાર સુધીમાં તેમણે લગભગ દુષ્કર્મની 86 પિડિતાઓનું કાઉન્સિલીંગ કર્યું છે.

વિશ્વ મહિલા દિવસે શોભનાબેને કહે છે કે, અત્યાર સુધી મેં અનેક પિડિતાઓની મદદ કરી છે. તેમનુ કાઉન્સિલિંગ કર્યું છે. તેમને દુષ્કર્મના આઘાતમાંથી બહાર લાવવાનું કપરુ કાર્ય કર્યું છે. મેં પણ મારા જીવનમાં ઘણા દુઃખ જોયા છે. સાચી વાત કહું તો, લગ્નજીવનમાં પણ અસહ્ય ત્રાસ વેઠ્યાં છે.

એક સ્ત્રી તરીકે મેં જે પિડાનો સામનો કર્યો છે તેનો વિચાર રુવાંડા ઉભા કરી દે તેવો છે. આજથી લગભગ પંદરેક વર્ષ પહેલા મેં નિર્ણય લીધો હતો કે, જો કોઈ મહિલા તકલીફમાં હશે તો હું એક મહિલા હોવાના નાતે એની મદદ કરીશ અને એના ન્યાય માટે લડત આપીશ.

દુષ્કર્મ પિડિતા હોય કે, પછી સાસરિયાંઓના ત્રાસનો ભોગ બનેલી પરિણીતા હોય. હું તમામની વહારે આવુ છું અને તેમની લડાઈમાં શામેલ થાઉં છું. પહેલા હું એકલી જ આ કાર્ય કરતી હતી. પણ સમય જતા હવે લોકોનો પણ સહકાર મને મળવા લાગ્યો છે. ઘણી વખત પોલીસ વિભાગ પણ કોઈ પિડિતાના કાઉન્સિલિંગ માટે મને ખાસ બોલાવે છે.

વડોદરા શહેર જ નહીં પણ ગુજરાતના બીજા શહેરો અને ગામડાઓમાં પણ કોઈ મહિલા, યુવતી કે, બાળકી દુષ્કર્મનો ભોગ બને તો મને બોલાવાય છે. ઘણી વખત દુઃખ થાય, અને એમ પણ થાય કે, આવુ મહિલાઓ સાથે કેમ થતુ હશે ? ભારત દેશમાં બળાત્કારીઓ માટે એવી આકરી સજા કેમ નથી ? જેનાથી કોઈ પુરુષ સપનામાં પણ દુષ્કર્મનો વિચાર કરતા ફફડી ઉઠે. દેશના કાયદાઓમાં અને ન્યાયતંત્રમાં સુધારો લાવવો જોઈએ અને બળાત્કારના કેસોનો ખૂબ જ ઝડપથી નિકાલ લાવવો જોઈએ. હું દેશની સરકારને વિનંતી કરુ છું કે, પિડિતાઓને ઝડપથી અને યોગ્ય ન્યાય મળે.