ઈન્ડો-કેનેડિયન ઉદ્યોગ સાહસિક મુકુંદ પુરોહિતે બિઝનેસ મેનેજમેન્ટ ઉપર રસપ્રદ પુસ્તક પગથિયું પ્રકાશિત કર્યું

ન્યુઝ ડેસ્ક – ઈન્ડો-કેનેડિયન ઉદ્યોગ સાહસિક અને વર્ષ 2017માં પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ પ્રાપ્ત કરનારા નખશિખ ગુજરાતી મુકુંદ પુરોહિતે બિઝનેસના 20 વર્ષના અનુભવોનો સાર એક પુસ્તકના માધ્યમથી રજૂ કર્યો છે. પગથિયું…નામના આ પુસ્તકમાં તેમણે બિઝનેસ મેનેજમેન્ટના ગુણોની વિકસીત કરવાની કળા પણ દર્શાવી છે.

લાખો રુપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરીને નવા બિઝનેસમાં પગરણ માંડનારા આગંતૂકોને મુકુંદ પુરોહિતનું આ પુસ્તક સફળતાના શિખરો સર કરવામાં મદદરુપ બનશે. 5 એપ્રિલના રોજ એટલે કે, ગઈકાલે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. પરિમલ વ્યાસના વરદ હસ્તે પગથિયું નામના પુસ્તકનું વિમોચન કરાયું હતુ. કોરોનાના કપરા કાળમાં માત્ર બે વ્યક્તિઓની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક રીતે પાલન કરીને પગથિયુંનું વિમોચન થયું હતુ.

મુકુંદ પુરોહિતે જણાવ્યુ હતુ કે, Startup શરુ કરનારા આજના યુવાનો માટે મારા અનુભવોનું પગથિયું આશીર્વાદરુપ સાબિત થશે. મેં મારા બિઝનેસના અનુભવોનો અર્ક પગથિયું પુસ્તકમાં રજૂ કર્યો છે. બિઝનેસના આગંતૂકો માટે પગથિયું એક પુસ્તક જ નહીં પણ મેનેજમેન્ટ અને સેલ્સ જેવી સ્કિલને ડેવલોપ કરવાની સીડી સાબિત થશે.

તેમણે વધુમાં કહ્યુ હતુ કે, બિઝનેસમાં હું જ્યાંથી પડ્યો છું ત્યાંથી ઉઠતાં અને આગળ વધતા પણ શીખ્યો છું. બિઝનેસના મારા બહોળા અને વિસ્તૃત અનુભવોને મેં સાદી, સીધી અને સમજાય તેવી ભાષામાં પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. રોજીંદી ઘટનાઓને ઉદાહરણો સ્વરુપે મેં પગથિયુંમાં સરળ રીતે રજૂ કરી છે.

સોશિયલ મિડિયાના આજના દોરમાં લોકો પુસ્તકો વાંચવાનું લગભગ ભુલી ગયા છે. આજે મોલ અને મલ્ટિ પ્લેક્સોમાં યુવાનોની ભારે ભીડ જોવા મળે છે. પણ પુસ્તકાલય અથવા ચોપડીની દુકાનમાં કાગડા ઉડે છે. મને એવુ લાગે છે કે, આજના યુવાનોમાં વાંચવાનો રસ ઉડી ગયો છે. એટલે મેં યુવાનો સમજી શકે તેવી રીતે અને તેમને વાંચવામાં કંટાળો ના આવે તેવી રસપ્રદ રીતે પુસ્તકની રચના કરી છે.

મારી ગેરન્ટી છે કે, જો કોઈપણ વ્યક્તિ મારુ પુસ્તક એકવાર હાથમાં પકડી લેશે તો ત્રીસ-ચાલીસ પાના તો આસાનીથી વાંચી જશે. પુસ્તકમાં મેનેજમેન્ટની માહિતી તો છે જ પણ સાથેસાથે એક બિઝનેસમેન કેવો હોવો જોઈએ ? તેની વાત પણ સચોટ રીતે લખી છે. મને આશા છે કે, વાચકોને મારા પગથિયું પુસ્તકમાં રસ પડશે.