વાસણા-ભાયલી રોડના નંદ હોસ્પિટલના ડોક્ટરોએ ઓપરેશન કરીને વૃધ્ધાના પેટમાંથી છ કિલો વજનની ફૂટબોલ જેવડી મોટી ગાંઠ કાઢી

વડોદરા – જમણવારમાં ક્યારેક બે રોટલી વધારે ખવાઈ જાય તો પણ આપણને આફરો ચડતો હોય એવો ઘાટ સર્જાય છે અને પેટનો ભાર ઓછો ના થાય ત્યાં સુધી ચેન પડતુ નથી. પણ કલ્પના કરો કે, કોઈ વ્યક્તિના પેટમાં ફુટબોલ જેટલી મોટી વજનદાર ગાંઠ હોય તો એની સ્થિતિ કેટલી દયાજનક હશે ?

આવી જ એક અકલ્પનીય તકલીફ પાદરાની એક વૃધ્ધાને જોવા મળી હતી. વાત એમ હતી કે, પાદરામાં એકલવાયું જીવન ગુજારતી 63 વર્ષીય વૃધ્ધાને છેલ્લા કેટલાક મહિનાઓથી પેટમાં વજન લાગતુ હતુ. અને એમનુ પેટ ફૂલીને દડા જેવું થઈ ગયુ હતુ. પેટમાં વધી રહેલા વજન પર ધ્યાન આપવાને બદલે તેઓ પોતાના રોજીંદા જીવનમાં જ મસ્ત રહેતા હતા. આખરે, પેટનું વજન એટલું વધી ગયુ કે, એમનાથી હવે ચલાતુ પણ ન હતુ. તેઓ અચાનક પથારીવશ બની ગયા હતા. આખરે, તેમના ફેમિલિ ફિઝિશિયનના કહેવાથી તેઓ વડોદરાના વાસણા-ભાયલી રોડ પર આવેલા નંદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા.

હોસ્પિટલના ડો. નિરજ ચાવડા કહે છે કે, જ્યારે વૃધ્ધાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમનું પેટ દડાની જેમ ફૂલેલું હતુ. પેટના વજનને લીધે તેમનાથી બરાબર ઉભું પણ રહેવાતુ ન હતુ. એમની સ્થિતિ ગંભીર હતી. એટલે મેં અને ડો. યયાતિ દવેએ તાત્કાલિક તેમના બ્લડ અને યુરિનના સેમ્પલો લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલાવી આપ્યા હતા.

તેમના રિપોર્ટના આધારે અમને જાણવા મળ્યુ કે, પેટના ભારને લીધે એમની કિડની બરાબર કામ કરતી ન હતી. એટલે અમે એમની સોનોગ્રાફિ કરાવી હતી. જેમાં ખુલાસો થયો હતો કે, પેશન્ટના અંડાશયમાં ગાંઠ છે અને આ ગાંઠ ફૂટબોલ જેવડી મોટી અને વજનદાર છે.

અ્ંતે અમે પેશન્ટનું તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. અમારી હોસ્પિટલના જનરલ સર્જન ડો. દર્શન ગજેરા અને એનેસ્થેટિક ડો. ધ્રુવ મહેતાએ એમની ટીમને તૈયાર કરીને ગઈકાલે પેશન્ટનું ઓપરેશન કરીને એમના પેટમાંથી છ કિલોગ્રામ વજનની ફૂટબોલના દડા જેવી મોટી ગાંઠી કાઢીને એમનો જીવ બચાવ્યો હતો. પેટનો ભાર હળવો થતા જ પેશન્ટ પણ હવે, રિલેક્સ મહેસુસ કરી રહ્યુ હતુ.

અંડાશયના સફળ ઓપરેશનથી વિશાળ અને વજનદાર ગાંઠ કાઢ્યા બાદ પેશન્ટની તબિયત ધીરેધીરે નોર્મલ થઈ રહી છે. ઓપરેશનની સફળતા બાદ પેશન્ટે જણાવ્યુ હતુ કે, મારા પેટમાંથી જાણે બહુ મોટો ભાર ઉતરી ગયો હોય એવું લાગે છે. મારા પેટમાંથી છ કિલોગ્રામ જેટલી વજનદાર ગાંઠ નીકળી તે જાણીને મને પોતાને આશ્ચર્ય થયુ છે.

Leave a Reply

Your email address will not be published.