વડોદરામાં પાઈનેપલ, સફરજન, દ્રાક્ષ, સંતરા અને ચીકુની ચોરી કરનારા 4 પોલીસ જવાનો સામે ગુનો નોંધાયો

વડોદરા – શહેરના ભાયલી વિસ્તારમાં ફ્રુટની લારી પરથી ફળફળાદી ચોરવા બદલ ચાર પોલીસ જવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે, ભાયલી વિસ્તારમાં રાત્રિ દરમિયાન ફરજ બજાવતી વખતે પોલીસ જવાનોએ ફ્રુટની ચોરી કરી હતી. ઉપરોક્ત બનાવ અંગે ફ્રુટની લારીવાળાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ચારે પોલીસ જવાનો સામે રુપિયા 3900ની ફ્રુટની ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.

શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રહેતા અને ભાયલી વિસ્તારમાં પેટ્રોલપંપની સામે ફ્રુટની લારી ધરાવતા અતુલ ચુનારાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, 29મી જાન્યુઆરીની રાત્રે હું લારી બંધ કરીને ફ્રુટ ઉપર પ્લાસ્ટિક ઢાંકીને ઘરે ગયો હતો. સવારે 9 વાગ્યે જ્યારે હું લારી પર પાછો આવ્યો ત્યારે તેની ઉપર પ્લાસ્ટિક હટાવેલુ હતુ અને નીચેથી ફ્રુટ ચોરાઈ ગયા હતા. મારી લારીની સામે રાત્રે પોલીસનો પોઈન્ટ છે અને ત્યાં ચાર પોલીસ જવાનો ડ્યુટી બજાવે છે.

આ ચારે પોલીસ જવાનોએ મારી લારી પરથી ફ્રુટની ચોરી કરી હતી. જેમાં પાઈનેપલ, ચીકુ, સફરજન, સંતરા, દ્રાક્ષ અને નારિયેળનો સમાવેશ થાય છે. અતુલ ચુનારાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે તેમના જ પોલીસ મથકમાં ફરજ બજાવતા વિશાલ રતિલાલ રોહિત, રાજુ રમણભાઈ રોહિત, હિતેશ દિનેશભાઈ મહેરિયા અને સંજય શંકરભાઈ પરમાર સામે ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *