Black Dollarનો કાળો કારોબાર, અમદાવાદના વેપારીની ત્રીસ લાખની ઠગાઈ

વડોદરા – કસ્ટમમાં પકડાયેલા બ્લેક ડોલરના બંડલો સસ્તા દરે વેચવાના છે તેવુ તરકટ રચીને અમદાવાદના વેપારીની રુપિયા ત્રીસ લાખની છેતરપિંડી આચરનારા ચાર ભેજાબાજોને વડોદરા પોલીસની ક્રાઈમ બ્રાંચે સુરતના કામરેજમાંથી આબાદ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા ચારે આરોપીઓ સામે વડોદરા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે.

અમદાવાદના વેપારી મૌલિક પ્રજાપતિએ વડોદરા પોલીસને જણાવ્યુ હતુ કે, કસ્ટમમાં બ્લેક ડોલર પકડાયા છે અને તેના બંડલો સસ્તા દરે આપવાના છે તેવુ જણાવીને મારો સંપર્ક કર્યો હતો. પહેલી વખત તેમણે મારી પાસે સાત લાખ રુપિયા લઈને સાત લાખના દરના સાચા ડોલર મને આપ્યા હતા. આ ડોલર માર્કેટમાં વટાવ્યા પછી મને એમની ઉપર વિશ્વાસ ખડો થયો હતો.

એટલે એમણે રુપિયા ત્રીસ લાખ લઈને વડોદરા બોલાવ્યો હતો. વડોદરાના સમા-સાવલી રોડની એક હોટલમાં તેમણે મને બ્લેક ડોલરના બંડલો બતાવ્યા હતા. ત્યારપછી એક અંધારિયા ઓરડામાં મને લઈ જઈને એક ડોલમાં બ્લેક ડોલર નાંખ્યા હતા અને થોડીવાર રહીને તેમાંથી સાચા ડોલર બહાર કાઢ્યા હતા. તેમની આ કારીગરી જોઈને હું પ્રભાવિત થઈ ગયો હતો.

આખરે તેમણે મારી પાસેથી રુપિયા ત્રીસ લાખ લઈને કાળા રંગના કાગળોના 24 બંડલો આપ્યા હતા અને જણાવ્યુ હતુ કે, આ બ્લેક ડોલર છે એને કેમિકલમાં ઝબોળીને તેના સાચા ડોલર બનાવી દેજો અને માર્કેટમાં વટાવી લેજો. જોકે, ઘરે ગયા પછી માલુમ પડ્યુ હતુ કે, બ્લેક ડોલરના નામે તેમણે મને પધરાવેલા બંડલો હકિકતમાં કાળા રંગના કાગળો જ છે.

પોલીસે ઉપરોક્ત ફરિયાદને આધારે મોબાઈલ લોકેશનોના આધારે તપાસ કરતા બ્લેક ડોલરના નામે કોરા કાગળ પધરાવનારા ચારે ભેજાબાજોને સુરતના કામરેજથી આબાદ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ભરત જગુભાઈ ગીડા, મહેશ ઓઘડભાઈ વાળા, ઈમરાન દીનમહંમદ ભુરાની અને શાહીદ હનીફ નાવડેકરનો સમાવેશ થાય છે.

શાહીદ નાવડેકર નામનો મુંબઈને ભેજાબાજ પોતાને કસ્ટમ ઓફિસરનો પીએ હોવાની ઓળખ આપતો હતો. પોલીસે ચારે ભેજાબાજોની પૂછપરછ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *