મેલાઘેલા ગરીબને જ્યારે સફેદ લેંઘાઝભ્ભા વાળા નેતા ભાવતા ભોજન જમાડે ત્યારે મતદારની તાકાતનો અહેસાસ થાય

પેપર pen – ગરીબ કી થાલી મે પુલાવ આ ગયા, લગતા હૈ શહર મૈં ચુનાવ આ ગયા…સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ Post ચૂંટણી સમયે તદ્દન પ્રાસંગિક, સંવેદનશીલ અને હચમચાવી મુકે તેવી છે. કોઈ વિચારક, લેખક કે, પછી ઉમદા શાયરે લખેલી આ પંક્તિમાં લોકશાહીની હકીકત દર્શાય છે.

હાલમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું અભિયાન ચરમસીમાએ છે. ચારે તરફ ઢોલ નગારા સાથે રેલી અને ફેરણીઓ યોજાઈ રહી છે. બિલાડીના ટોપની જેમ એકાએક ફૂટી નીકળેલા ચૂંટણી કાર્યાલયોમાં ચા-પાણી અને નાસ્તાની જયાફતો ઉડવા લાગી છે. ચારેતરફ ઉજાણી છે. ગામેગામ ચૂંટણી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.

રાજનેતાઓએ મતદારોને રિઝવવા માટે તિજોરીના દરવાજા ખોલી નાંખ્યા છે. લાલચ અને પ્રલોભનો સાથે મજેદાર અને લહેજતદાર વાનગી પણ પિરસાઈ રહી છે. મેલાઘેલા કપડા પહેરીને કાર્યાલય પર આવેલા ગરીબને જ્યારે સફેદ દૂધ જેવા ચોખ્ખાચણાક ઝભ્ભા-લેંઘા પહેરેલા કહેવાતા લોકસેવકો પોતાના હાથથી ભાવતા ભોજન પિરસે તે જોઈને લોકશાહીની મજબૂતાઈનો અનુભવ થાય.

એક સમય એવો હતો કે, રાજનેતાઓને જે સાંકડી શેરીઓમાં જવાનો ખચકાટ થતો હતો, તેવી ગંદકીથી ખદબદતી ઝૂંપડપટ્ટીમાં પ્રચાર માટે જવુ પડે છે. જે અકિંચન સાથે વાત કરવાનો અણગમો આવતો હતો, એને રિઝવવાના પ્રયાસો કરવા પડે છે. જેના ગજવામાં ફૂટી કોડી નથી, તેવા નિર્ધન પાસે માંગવા જવુ પડે છે.

ચૂંટણી કાર્યાલયની બહાર ઉભેલા એક ગરીબને જ્યારે અમે પુછ્યુ કે, ભાઈ તમને શુ લાગે છે, આ વખતે કોણ જીતશે ? થોડી હિંમત કરીને એણે જવાબ આપ્યો કે, સાહેબ છેલ્લા એક વર્ષથી એકટાંણુ કરતો હતો. જ્યારથી ચૂંટણી આવી છે બે ટંકનું પૂરતુ ભોજન મળે છે. કોણ જીતશે એની તો ખબર નથી પણ ભગવાન એનુ ભલુ કરે જેણે ચૂંટણી લાવી છે.

One thought on “મેલાઘેલા ગરીબને જ્યારે સફેદ લેંઘાઝભ્ભા વાળા નેતા ભાવતા ભોજન જમાડે ત્યારે મતદારની તાકાતનો અહેસાસ થાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *