મરજી વિરુધ્ધ પ્રેમ લગ્ન કરનારી દીકરીનું ફિલ્મીઢબે અપહરણ, માતા-પિતા સહિત દસની ધરપકડ

ન્યુઝ ડેસ્ક – વડોદરામાં પરિવારની મરજી વિરુધ્ધ પ્રેમ લગ્ન કરનારી દીકરીનું પતિ અને સાસરિયાંઓ પાસેથી ફિલ્મી ઢબે અપહરણ કરનારા પિયરીયાં વિરુધ્ધ સયાજીગંજ પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે અપહ્યુત દીકરીને તેના અપહરણકાર પરિવારજનોના ચુંગાલમાંથી ગણતરીના કલાકોમાં જ મુક્ત કરાવી હતી અને તેના પતિના હવાલે કરી હતી. આ બનાવ અંગે નોંધાયેલી ફરિયાદને આધારે સયાજીગંજ પોલીસે ચાર મહિલા સહિત દસ જણાની ધરપકડ કરી છે.

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા નજીકની જામવાડીમાં રહેતી એક યુવતી 6 ડિસેમ્બરના રોજ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારપછી તેણે પ્રેમી સાથે ભરુચમાં લગ્ન કરી લીધા હતા. ગઈકાલે તે પાછી વડોદરા આવી હતી અને પ્રેમી સાથે સયાજીગંજ પોલીસ મથકે હાજર થઈ હતી.

પોલીસે તેના લગ્ન કાગળો જોયા પછી તેને પતિના હવાલે કરી હતી. રાત્રે દસેક વાગ્યાના સુમારે તેનો પતિ તથા સાસરિયાં તેને ઈકો ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશનેથી નીકળ્યા હતા. જે દરમિયાન ફતેગંજ સર્કલ પાસે યુવતીના પિયરીયાંઓ ધસી આવ્યા હતા અને તેમણે ગાડી રોકીને સીધો હુમલો શરુ કરી દીધો હતો.

પિયરીયાંઓએ યુવતીના પતિ તથા સાસરિયાંઓને ગડદાપાટુનો મારમાર્યો હતો અને ત્યારપછી યુવતીને જબરદસ્તી રિક્શામાં બેસાડીને ઉઠાવી ગયા હતા. ઉપરોક્ત બનાવ અંગે યુવતીના પતિએ સયાજીગંજ પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ અપહ્યુત યુવતીને શોધી કાઢી હતી અને અપહરણના બનાવમાં શામેલ ચાર મહિલા સહિત કુલ દસ જણાંની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *