પાતળા કાગળનો ટૂકડો પતંગ બનીને આકાશમાં લહેરાય ત્યારે કહેવાય કે, ભ’ઈ ઉતરાણ છે…!!

પાતળા કાગળનો ટૂકડો, પતંગ બનીને…જ્યારે આકાશમાં લહેરાય ત્યારે કહેવાય કે, ભ’ઈ ઉતરાણ છે.
ડ્રોઈંગરુમનો વૈભવ છોડીને…અગાસી પર તડકો ખાવાનું મન થાય ત્યારે કહેવાય કે, ભ’ઈ ઉતરાણ છે.

ઉતરાણ એટલે એક એવો તહેવાર…
જેને માણવામાં ઉંમરનો બાધ નથી…
ધર્મના સીમાડા નથી… કે, પછી ઉંચ-નીચના ભેદભાવ નથી…
તદ્દન નિર્દોષ, બિલકુલ સહજ અને સદંતર નિખાલસ પર્વ…એટલે ઉતરાણ..!!

કોરા આકાશમાં રંગોળી પુરવાનું મન થાય ત્યારે કહેવાય કે, ભ’ઈ ઉતરાણ છે.
પરિવારની ત્રણ-ત્રણ પેઢી મર્યાદા છોડીને…એકસાથે ‘હુરિયો’ બોલાવે…ત્યારે કહેવાય કે, ભ’ઈ ઉતરાણ છે.

આગામી શુક્રવારે એટલે કે, 14મી જાન્યુઆરીએ ઉતરાણનો તહેવાર રાજ્યભરમાં ઉલ્લાસપૂર્વક ઉજવાશે.

મોંઘવારી ભુલાશે…ને આકાશી યુધ્ધ ખેલાશે.
કોરોના વિસરાશે…ને માત્ર આકાશ તરફ જ જોવાશે.

ભલે, થર્ડ વેવની દહેશત હોય, ઓમિક્રોનનો ભય હોય કે, પછી લોકડાઉનની આશંકા હોય. બધો ફફડાટ કોરાણે મુકીને….
ઉતરાણ તો ઉજવાશે..ઉજવાશે’ને ઉજવાશે.

ઉંધિયું-જલેબી ખવાશે….ને ચીક્કીથી મોઢું મીઠું કરાશે.
અઢ્ઢા સાથે તુક્કલનો પેચ લડાશે….
ઉતરાણ તો ઉજવાશે..ઉજવાશે’ને ઉજવાશે…

દાદા કિન્ના બાંધશે…પપ્પા ચરખો પકડશે અને લાલો પતંગ ઉડાડશે….
ઉતરાણ તો ઉજવાશે..ઉજવાશે’ને ઉજવાશે.

ભલે, ઉતરાણ આપનો પસંદીદા તહેવાર હોય….
ભલે કોરાનાથી કંટાળો આવતો હોય…

પણ અમારી વાત માનજો…
ધાબા પર પણ સામાજિક અંતર જાળવજો….
અને માસ્ક જરુર પહેજો…

ધાબા પર ટોળાં ભેગા કરતા નૈ…
ચાઈનીઝ દોરા ખરીદતા નૈ…
ફાનસ કે, ગુબ્બારા સળગવતા નૈ….
અને સલામતી સાથે ઉતરાણની મજા માણજો…

હેપ્પી ઉતરાણ…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *