નેપાળ ફરવા જાવ તો થોડુ વધારે પેટ્રોલ ભરાવતા આવજો, નેપાળમાં પેટ્રોલનો ભાવ 22 રુપિયા ઓછો

બિહાર-નેપાળના સરહદી વિસ્તારના લોકો સાંકડી પગદંડી પરથી થઈને નેપાળ પહોંચે છે અને પેટ્રોલ-ડિઝલ લઈ આવે છે

ન્યુઝ ડેસ્ક – એક સમય એવો હતો કે, ભારતના લોકો નેપાળ ફરવા જતા હતા. ત્યાંના પર્યટન તથા ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા હતા. પરંતુ, હમણાંનો સમય એવો છે કે, ભારતના લોકો નેપાળમાં પેટ્રોલ, ડિઝલ ખરીદવા જાય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, બિહાર અને નેપાળની સરહદે આવેલા કિસનગંજ અને અરરીયા જિલ્લાના લોકો પેટ્રોલ-ડિઝલની ગેરકાયદે હેરાફેરી કરી રહ્યા છે.

સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ, જ્યારથી ભારતમાં ઈંધણની કિંમતોમાં ઉછાળો આવ્યો છે ત્યારથી ભારત-નેપાળ બોર્ડર પર ઈંધણની દાણચોરી શરુ થઈ છે. સ્થિતિ એવી છે કે, ભારત કરતા નેપાળમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે 22 રુપિયા ઓછી છે. સરહદી વિસ્તારોમાં રહેતા લોકો નાની પગદંડી પરથી નેપાળ પહોંચી જાય છે અને ત્યાંથી પેટ્રોલ અને ડિઝલના કારબા ભરી લાવે છે. સુરક્ષા દળો અને પોલીસે તાજેતરમાં જ આવી દાણચોરી કરતા તત્વોને પકડી પાડ્યા હતા.

સૌથી મહત્વની વાત એ છે કે, નેપાળમાં જે પેટ્રોલ-ડિઝલ મળે છે તેનો સપ્યાલ ભારત દ્વારા જ કરવામા આવે છે. તેમ છતાંય નેપાળમાં ભારત કરતા ઓછા દામે ઈંધણ મળે છે. ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે ભૂતકાળમાં થયેલા કરારા પ્રમાણે ભારતીય પેટ્રોલિયમ કંપની આઈઓસીએલ ખાડી દેશોમાંથી ઈંધણ મંગાવીને નેપાળને પહોંચાડે છે.

હાલમાં ભારતમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટરે 100 રુપિયા સુધી પહોંચવા આવ્યો છે. જ્યારે નેપાળમાં પેટ્રોલ પ્રતિ લીટર 77 રુપિયે મળી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *