પોલીસે ભાજપની મહિલા કાઉન્સીલરના દીકરાને ઢોર મારમાર્યો હોવાનો આક્ષેપ

ન્યુઝ ડેસ્ક – થર્ટી ફર્સ્ટની રાત્રે બાજવાડામાંથી નશાની હાલતમાં ઝડપાયેલા કુણાલ ચોકસીની માતા અને ભાજપના કાઉન્સીલર જેલમ ચોક્સીએ આજે સવારે સિટી પોલીસ મથકના સ્ટાફ ઉપર ગંભીર આરોપો કરતા જણાવ્યુ હતુ કે, પોલીસે મારા પુત્ર ઉપર રીતસરની બર્બરતા આચરી છે.

મારો દીકરો ઘરના આંગણે કૂતરાને બિસ્કીટ ખવડાવતો હતો તે સમયે પોલીસની પીસીઆર વાન આવી પહોંચી હતી અને તેને ખેંચીને અંદર બેસાડી દીધો હતો. હું છોડાવવા ગઈ ત્યારે પોલીસ વાળાએ મને ધક્કો મારી દીધો હતો અને પીસીઆર વાન દોડાવી મુકી હતી.

પોલીસે મારા છોકરાને ઢોર મારમાર્યો હતો. એને જીપમાં બેસાડીને બાજવાડાથી સિટી પોલીસ સ્ટેશન સુધી સતત લાફા માર્યા હતા. પોલીસ મથકમાં પણ એની સાથે ગેરવર્તણૂક કરાઈ હતી. કોઈ મોટો ગુનેગાર પકડાયો હોય એવી રીતે વીસથી પચ્ચીસ પોલીસ વાળા એને ઘેરી વળ્યા હતા. હું એને છોડાવવા ગઈ ત્યારે મારી સાથે પણ ખોટું વર્તન કર્યું હતુ.

પોલીસે એને પાણી પણ પીવા દીધું ન હતુ. મારા દીકરાએ દારુ નહોતો પીધો પણ એણે ડોક્ટર બ્રાન્ડી પાણી સાથે પીધી હતી. થોડા દિવસો પહેલા એના નાકનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતુ. એટલે ડોક્ટરે એને બ્રાન્ડી પિવાની સલાહ આપી હતી. ડોક્ટરના કહેવા અનુસાર અમે સાંજે સાડા છ વાગ્યે એને પાણીમાં ભેળવીને બ્રાન્ડી પીવડાવી હતી. સિટી પોલીસ મથકના જવાનો અને અધિકારીની આવી ગેરવર્તણૂક સામે અમે પોલીસ કમિશનરને રજૂઆત કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *