વડોદરાના રામભક્ત બાઈક લઈને અયોધ્યા પહોંચ્યા, રામ જન્મભૂમિ પાસે સમ્માન

Ayodhya – અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પરિપૂર્ણ થાય તે દેશના કરોડો હિન્દુઓની આસ્થાનો વિષય છે. ત્યારે મંદિર નિર્માણ જલ્દી થાય અને લોકોની સુખાકારી માટે ફતેગંજમાં રહેતા એક મહંતે તાજેતરમાં વડોદરાથી અયોધ્યાની બાઈક પર મુસાફરી કરી હતી અને રામલલ્લાના દર્શનનો લાભ લીધો હતો.


અયોધ્યામાં રામમંદિર પુન: નિર્માણના તમામ માર્ગ હાલ ખુલી ગયા છે. કેન્દ્રની ભાજપ સરકારના માર્ગદર્શન હેઠળ તથા ઉત્તર પ્રદેશમાં રાજ્ય સરકારની નેજા હેઠળ મંદિર નિર્માણનું કામ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઝડપભેર ચાલી રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય એ કરોડો હિન્દુઓની આસ્થાના સાથે સંકળાયેલો વિષય છે. ત્યારે વડોદરામાં પણ અનેક રામ ભક્તોની અદભુત ભક્તિ જોવા મળી રહી છે. આવું જ એક ઉદાહરણ ફતેગંજ પત્રકાર સોસાયટીમાં રહેતા દિપક મહેતા (મહારાજ) દ્વારા પુરૂં પાડવામાં આવ્યું છે.

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય એ ઉદ્દેશ તથા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના જીવને સદગતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના સાથે તેઓ બાઈક પર વડોદરાથી અયોધ્યાના દર્શનાર્થે ગયા હતા. અહીંથી અંદાજે ૧૨૦૦થી વધુ કિલોમીટર દૂર તેઓ સતત પાંચ દિવસ વાહન હંકારી અયોધ્યા પહોંચ્યા હતા. ત્યાં બે દિવસ રોકાણ કર્યા બાદ તેઓ અયોધ્યા અયોધ્યાથી વડોદરા પરત ફર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, ગત તારીખ 26મી ડિસેમ્બરના રોજ બપોરે નિઝામપુરા સ્થિત સાંઇબાબા મંદિરે નિત્યક્રમ મુજબ આરતી કર્યા બાદ હાલોલ, ગોધરા થઈ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ત્યારબાદ તેઓ ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા.

તેઓ જે દિવસે અયોધ્યા પહોંચ્યા તેના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પણ ત્યાં દર્શનાર્થે આવવાના હતા. એથી માર્ગમાં ખૂબ સુરક્ષા વ્યવસ્થાનો ચાપતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. દિપક મહારાજે એમ પણ ઉમેર્યું કે, મંદિર નિર્માણ પરિપૂર્ણ થાય તે ઉદ્દેશ સાથે પ્રવાસ ખેડવાનો હોવાથી કાલાઘોડા સ્થિત રામજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું હતું અને જતાં તથા આવતા સમગ્ર રૂટના માર્ગ પર વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવકો દ્વારા પણ સારો સહયોગ સાંપડ્યો હતો.

ઉપરાંત માર્ગમાં જે જગ્યાએ રોકાવાનું હતું ત્યાં બાઈક પર વડોદરાથી અયોધ્યાના દર્શનાર્થે જવાનું હોવાનું સાંભળી ઘણા લોકો આશ્ચર્ય પામી જતા હતા. જાવા આવવા સાથે ૨૫૦૦થી વધુ કિલોમીટર ખેડતા એક રોમાંચક સફર રહ્યો હોવાની અનુભૂતિ તેમણે વ્યક્ત કરી હતી. તો બીજી તરફ અનેક જગ્યાએ ભાષા બોલી બદલાવતી હોવા છતાં લોકોએ પ્રેમથી આવકાર્યા હતા.

જિંદગીમાં કદી ન મળે તેવો લ્હાવો રામલલ્લાના દર્શન કરવાથી મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે બીજી તરફ પ્રવાસ ટાણે સાથે સ્વેટર, મોજા જેવા ગરમ કપડાં લઈ જવાની ચૂકતા અનેક ઠેકાણે ભારે ઠંડી પણ વેઠવી પડી હતી. પરંતુ એકંદરે ખૂબ સરસ પ્રવાસનો અનુભવ કરી અયોધ્યાથી તા૧લીએ દર્શન કરી ત્યાંથી તા.૬ઠી જાન્યુઆરીએ સાંજે એમના ઘરે વડોદરા ખાતે પરત ફર્યા હતા અને પોતે તેમની જિંદગીમાં આ એક હંમેશા સંભારણું બની જશે તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *