જે દિવસે મારે ત્યાં એકપણ નર્મદા પરિક્રમાવાસી ખિચડી ના ખાય તે દિવસે મને ખાવાનું ના ભાવે…

અતુલ મકવાણા – પુણ્યસલિલા માં નર્મદાજીનો મહિમા અનેરો છે. એમના પટ પરથી ફૂંકાતા પવનમાંથી જાણે સ્વાર્થ અને ઈર્ષા ચળાઈ જાય અને સેવાનો ભાવ ઉમેરાઈ જાય. નર્મદાજીના કાંઠે એક અલગ દુનિયા છે. અહીંના લોકો સ્વભાવે મૃદુ, સેવાભાવી અને પ્રામાણિક છે. સેવા એમના શ્વાચ્છોશ્વાસમાં વણાયેલી છે.

આમ તો હું સંસારી આદમી પણ મને નર્મદાજીના કિનારે ફરવાનો ગજબનો શોખ. થોડા દિવસ પહેલા એક પરિક્રમાવાસીએ કહ્યુ કે, નર્મદાજીના સંગમતિર્થ વિમળેશ્વરથી આઠેક કિલોમીટર પહેલા હનુમાન ટેકરી નામનો આશ્રમ છે.

અહીં ખૂબ સેવાભાવી સંત છે. અમે એમને ખિચડી વાલે બાબા તરીકે ઓળખીયે છીએ. બાબા આખો દિવસ એક ઝાડની નીચે બેસે અને પરિક્રમાવાસીઓની સેવા કરે. પદયાત્રીઓ માટે એમનો આદર જોઈને નવાઈ લાગે. મનમાં સવાલ થાય કે, પરિક્રમાવાસીઓ સાથે એમને કેવુ ઋણાનુબંધ હશે ?

એમની વાત સાંભળીને મને બાબાને મળવાની ઈચ્છા થઈ. એકાદ અઠવાડિયા પછી હું હાંસોટથી દસ કિલોમીટર દૂર હનુમાન ટેકરી પર પહોંચ્યો. આ પવિત્ર સ્થળને સીતારામ બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંના વાતાવરણમાં નિરવ શાંતિ અને પવિત્રતા હતી. સીતારામ બાગના પ્રવેશદ્વાર પાસે ગુલમોહરના ઝાડની નીચે એક મહંત બેઠા હતા. એમને જોઈને જ હું સમજી ગયો કે, ખિચડી વાલે બાબા આ જ હશે.

મેં પ્રણામ કર્યા. એમની સાથે બેઠો અને વાત શરુ કરી. મેં કહ્યુ કે, બાબા ખોટુ ના લાગે તો એક વાત પુછું..તમને પરિક્રમાવાસીઓ ખિચડી વાલે બાબા કેમ કહે છે ? મારો સવાલ સાંભળીને એમના ચહેરા પર નિર્દોષ હાસ્ય રેલાઈ ગયું. તેઓ સહજતાથી બોલ્યા કે, ભાઈ મારુ નામ તો મહંત રામેશ્વરદાસ ત્યાગી છે. પણ અહીં ખિચડી-કઢીનું સદાવ્રત ચાલે છે એટલે કદાચ તેઓ મને ખિચડી વાલે બાબા કહેતા હશે. જેનો જેવો ભાવ એવી રીતે બોલાવે. એમા આપણે શુ કરીએ ? હકીકત એ છે કે, ગુરુજીની આજ્ઞા અને નર્મદાજીનાં આશીર્વાદથી અમે છેલ્લા વીસેક વર્ષથી અહીં પરિક્રમાવાસીઓની અવિરત સેવા કરીએ છીએ અને અહીંથી ભોજન લીધા વિના કોઈને જવા દેતા નથી. તમે પણ આવ્યા છો તો અમારી ખિચડી ખાઈને જ જજો.

તેમણે વાત આગળ વધારી અને કહ્યુ કે, હું મૂળ જબલપુરનો છું. એકવખત નર્મદાજીની પરિક્રમા કરવા નીકળ્યો હતો. તે વખતે અંકલેશ્વરથી હાંસોટ થઈને વિમળેશ્વર પહોંચવુ હોય તો ઘણી મુશ્કેલીઓ નડતી હતી. રસ્તામાં આરામ કરવો હોય તો કોઈ યોગ્ય સ્થળ ના મળે અને ભોજન કરવુ હોય તો પણ કોઈ સેવાભાવીની રાહ જોવી પડે. એટલે પરિક્રમા પુરી કર્યા પછી મને એમ થયુ કે, આ સ્થળે પરિક્રમાવાસીઓને સાચી મદદની જરુર છે એટલે મેં એક ઝાડની નીચે ધૂણી ધખાવી અને રામધૂન શરુ કરી. માં નર્મદાજીની એવી કૃપા થઈ કે, ખૂબ જ ટૂંકા ગાળામાં અહીં પરિક્રમાવાસીઓને જેની જરુર પડે તેવી લગભગ બધી સગવડો ઉભી થઈ ચુકી છે. કશુ નહીં તો ખિચડી-કઢીની સેવા તો અવિરત ચાલે જ છે.

અમારી વાત ચાલતી હતી તે જ સમયે રસ્તા પરથી ચાર-પાંચ પરિક્રમાવાસી પસાર થયા. બાબાની એમની ઉપર નજર પડી અને તેમણે જોરથી સાદ પાડયો નર્મદે હર…સામેથી પરિક્રમાવાસી બોલ્યા નર્મદે હર…બાબાએ એમને આવકાર આપ્યો. આશ્રમની અંદર બોલાવ્યા અને એમની સાથે વાતોમાં ખોવાઈ ગયા.

બાજુમાં બેઠોબેઠો હું વિચારવા લાગ્યો કે, આવા મુઠી ઉંચેરા માનવી માત્ર નર્મદાજીના કાંઠે જ મળે. આશ્રમમાં મને ભુપેન્દ્રભાઈ ભટ્ટ મળ્યા. તેમણે મને કહ્યુ કે, જેન તમે જેને ખિચડી વાલે બાબા તરીકે ઓળખો છો એ મહંત શ્રી 108 રામેશ્વરદાસ ત્યાગી છે. તેમણે પોતાનું જીવન નર્મદા પરિક્રમાવાસીઓની સેવામાં જ સમર્પિત કરી દીધુ છે. સવારે પૂજાપાઠ કરીને તેઓ આ ઝાડની નીચે આસન જમાવે છે અને રસ્તા પર નજર રખ્યા કરે છે. કોઈપણ પરિક્રમાવાસી પસાર થતો હોય તો તેને આગ્રહ કરીને બોલાવે છે અને નિઃસ્વાર્થ સેવા કરે છે.

સાચુ કહું તો, શિયાળાની કડકડતી ઠંડી હોય, ઉનાળાનો બળબળતો તડકો હોય કે, પછી ચોમાસામાં મૂશળધાર વરસાદ હોય. તેઓ બારેમાસ ઝાડની નીચે જ આસન જમાવીને બેઠા હોય. ઝાડની છાંયામાં બેસીને રસ્તા પરથી પગપાળા પસાર થતા પ્રત્યેક વ્યક્તિને ભાવથી બોલાવવાના અને એમને ખિચડી-કઢી ખવડાવવાના…બસ આ જ એમનુ કામ. ક્યારેક તો અમને એવુ થાય કે, બાપજી કોઈની રાહ તો નથી જોઈ રહ્યા ને…તમને જાણીને આશ્ચર્ય થશે કે, જે દિવસે આશ્રમમાં એકપણ પરિક્રમાવાસી ના આવે તે દિવસે તેમને ખાવાનું ના ભાવે.

(નર્મદાજીની આકરી પરિક્રમા કરી રહેલા પદયાત્રીઓની સેવામાં મહંત શ્રી 108 રામેશ્વરદાસ ત્યાગીજી જેવા અનેક સંતો-મહંતો ખડેપગે હાજર છે. એમના જીવનનો સાર એટલે સેવા. સંસારના પ્રપંચથી દૂર અને નર્મદાજીની નીકટતાના નીજાનંદમાં મસ્ત એવા સાધુઓને શત..શત..નમન)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *