ઉદ્ઘાટન માટે શ્રીફળ પછાડ્યું તો રસ્તા પર ખાડો પડ્યો

બિજનોર – ઉત્તરપ્રદેશના બિજનૌર જિલ્લામાં એક રસ્તાના ઉદ્ઘાટન પ્રસંગે નાટકિય ઘટના સર્જાતા ઉત્તેજના વ્યાપી ગઈ હતી. વાત એમ બની કે, કરોડોના ખર્ચે બનેલા રસ્તાના ઉદ્ઘાટનનો ગઈકાલે પ્રસંગ હતો અને સ્થાનિક ધારાસભ્ય સૂચી મૌસમ ચૌધરી ત્યાં હાજર હતા. પણ તેમણે રસ્તાના ઉદ્ઘાટન માટે રસ્તા પર વધેરવા માટે જેવુ શ્રીફળ પછાડ્યું કે, રસ્તાની ગુણવત્તાની પોલ ખુલ્લી પડી ગઈ. હકીકત એવી બની કે, રસ્તા પર પછાડવામાં આવેલુ શ્રીફળ તો તૂટ્યું નહીં પણ નવા બનેલા રસ્તામાં ખાડો પડી ગયો.

જે સમયે રસ્તાનું ઉદ્ઘાટન થતુ હતુ તે સમયે આ પ્રસંગને કવર કરવા માટે મીડિયાના મિત્રો પણ હાજર હતા અને આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. જોકે, રસ્તાની ગુણવત્તાની પોલ ખુલ્લી પડી જતા ધારાસભ્ય સૂચી મૌસમ ચૌધરીને શરમજનક સ્થિતિમાં મુકાવુ પડ્યું. આખરે, તેમણે રસ્તાનું ઉદ્ઘાટન પડતુ મુકીને ધરણા પ્રદર્શન કરવુ પડ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *