બે દિવસ પછી પાવાગઢની 44 કિલોમીટરની દુર્લભ પરિક્રમા યોજાશે, 824 વર્ષ પુરાણી પરંપરા પુનઃ જીવીત થશે

પવિત્ર યાત્રાધામ, ગુજરાતનું આકર્ષક પર્યટન સ્થળ અને પ્રસિધ્ધ-પાવન શક્તિપીઠ પાવાગઢની પરિક્રમા 2 જાન્યુઆરી 2022ના રોજ શરુ થશે. 44 કિલોમીટરની પદયાત્રામાં જોડાવા માટે હજારો ભક્તોએ ઓન લાઈન રજિસ્ટ્રેશન કર્યું છે. આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મર્યાદિત ભક્તોને જ પાવાગઢની પદયાત્રામાં સ્થાન આપવામાં આવશે.

આજથી લગભગ 825 વર્ષ પૂર્વ મહર્ષિ વિશ્વામિત્રે પાવાગઢની પરિક્રમા શરુ કરી હતી. જોકે, કાળક્રમે પરિક્રમા બંધ થઈ ગઈ હતી. પરંતુ, વર્ષ 2016માં ફરીથી પાવાગઢ પરિક્રમા શરુ કરવામાં આવી હતી. પાવાગઢ પરિક્રમા સમિતિની રચના થયા બાદ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને ભક્તોજનોને 44 કિલોમીટરની દુર્લભ પરિક્રમાનો લાભ લેવડાવવામાં આવતો હતો.

પાવાગઢના વેપારીઓ, સામાજિક અગ્રણીઓ અને રાજકીય આગેવાનો દ્વારા આ પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. હાલમાં પાવાગઢ પરિક્રમાનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે. બીજી જાન્યુઆરીના રોજ બીજી વખત પાવાગઢ પરિક્રમા યોજવામાં આવશે. જેના માટે હજારો પદયાત્રીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. આ વખતે મર્યાદિત ભક્તોને જ પરિક્રમાનો લાભ મળશે.

પદયાત્રાના રુટ પર યાત્રિકો માટે પાણી, ચા-નાસ્તો અને ભોજનની વ્યવસ્થા પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા કરવામાં આવશે. કહેવાય છે કે, પાવાગઢનું સ્વરુપ શ્રી યંત્ર જેવુ છે એટલે પાવાગઢની પરિક્રમાને સાક્ષાત શ્રીયંત્રની પરિક્રમા તરીકે આલેખવામાં આવે છે. અલબત્ત, પરિક્રમા એટલે અશ્વમેઘ યજ્ઞ જેટલુ ફળ પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *