એક પ્યાલી ચાય કી કિંમત તુમ ક્યાં જાનો રમેશ બાબુ ? દેશની સૌથી મોંઘી ચા એક લાખ રુપિયે કિલો !!

ન્યુઝ ડેસ્ક – આપણામાંથી ઘણા એવા હશે જેમને, સવારે એક કપ ચા અને છાપૂ ના મળે ત્યાં સુધી પથારીમાંથી ઉઠવાનું મન નહીં થતુ હોય. એમાંય જો કોઈ ગુજરાતી હોય તો એના માટે ખાસ કહેવુ પડે કે, ચાની ચુસ્કી સાથે તાજગીનો અહેસાસ થાય અને પછી જ એમનો સુરજ ઉગે. સાચી વાત કહું તો, સાત ગામે બોલી બદલાય પણ આખા ગુજરાતમાં ચાનો ટેસ્ટ ક્યારેય બદલાતો નથી. હા, કોઈ કડક મીઠી પસંદ કરે તો કોઈ કમ શક્કર..એટલો જ ફર્ક પડે બાકી બધુ સરખુ જ હોય.

કોઈ શહેરમાં કિટલી કેહવાય, તો ક્યાંક લારી અને ક્યાંક રેકડી તરીકે પણ ઓળખાતી હશે. પણ આ એવા ચર્ચાક્ષેત્રો છે જ્યાં ચા પીવાના બહાને મોંઘવારીથી માંડીને બજેટની ચર્ચા, મોદીથી માંડીને બાઈડનની વાતો તો થતી જ હશે પણ સાથેસાથે તપેલીમાં ચા ઉભરાય એના પહેલા પત્નીના ત્રાસથી લઈને Bossની તુમાખીના ઉભરા પણ જરુર ઠલવાતા હશે. મારા પિતાશ્રી ‘નગીનભાઈ’ એવુ કહેતા હતા કે, “સાથે ચા પીવો એટલે ચાહના વધે”

કુદરતે ચાના સ્વરુપમાં એટલી સરસ ચીજ માનવજાતને આપી છે કે, જેના પીવાથી તાજગી તો મળે છે પણ સંબંધો પણ વધે છે. ચાની તાસિર વિષે વાત કરું તો જો કોઈ તમને એવુ કહે કે, મારે ઘેર ચા પીવા આવજો…તો સમજી લેજો કે, સામાવાળો તમને દોસ્તીની ઓફર કરી રહ્યો છે.

મારુ એવું માનવુ છે કે, કોઈ છૂટક મજૂરી કરતો માણસ હોય કે, પછી કોઈ કંપનીનો CEO… દરેકે જીવનમાં એક બૂમ તો અવશ્ય પાડી હશે અને એ છે…એ છોટુ બે કટિંગ લાવ…!!

ગલીના નાકે, સોસાયટીના ધક્કે, સરકારી કચેરીઓની બહાર કે, પછી શોપિંગ કોમ્પલેક્ષની નીચે તમને ચાની કિટલી અચૂક જોવા મળશે. અને આ ટોળટપ્પાં સ્ટેન્ડ પર લોકોની ભીડ ચોક્કસ જામેલી હશે.

હાલમાં પેટ્રોલ-ડિઝલની કિંમતો સાથે ચાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. એક જમાનામાં માત્ર પાંચ રુપિયામાં મળતો એકલા દૂધની ચાનો પ્યાલો હવે, દસ કે, બાર રુપિયે પહોંચ્યો છે.

ખેર, ગાડી આડાપાટે ચડી જાય તે પહેલા મુદ્દાની વાત કરું તો આજે આસામની એક ચાનો ભાવ સાંભળીને ચક્કર આવી ગયા…તમને જાણીને નવાઈ લાગશે કે, ગઈકાલે આસામમાં ચાની હરાજી બોલાઈ હતી. જેમાં દીબ્રુગઢના બગીચામાં ઉગેલી મનોહર ગોલ્ડ ટી સૌથી મોંઘી કિંમતમાં વેચાઈ હતી અને કિંમત હતી 99,999 રુપિયા પ્રતિ કિલોગ્રામ…

આસામની આ ખાસ ચાની આંતરરાષ્ટ્રિય બજારમાં મોટી કિંમત ઉપજે છે. એની ખેતી માત્ર મનોહર ચા વાળા જ કરે છે. મનોહર ગોલ્ડ ટીનું ઉત્પાદન ઓછુ થાય છે અને તેની ગુણવત્તા શ્રેષ્ઠ છે એટલે એની કિંમત આસમાન આંબે છે. તાજેતરમાં સૌરભ ટી ટ્રેડર્સ નામની કંપનીએ લિલામીમાં મનોહર ગોલ્ડ ટીના 99,999 રુપિયા ભાવ બોલીને એક કિલોગ્રામ ચા ખરીદી હતી. આસામના દીબ્રુગઢમાં ઉગતી આ ખાસ ચાને હરાજી પછી દેશની સૌથી મોંઘી ચાનું બિરુદ મળ્યું હતુ. ખેર, આટલો લાંબો આર્ટિકલ વાંચ્યા પછી તમારુ પણ માથુ ચડ્યું હશે એટલે આપણી દેશી દસ રુપિયા વાળી ચા પીવો, તાજગી મેળવો અને પાછા કામે વળગો..!!

2 thoughts on “એક પ્યાલી ચાય કી કિંમત તુમ ક્યાં જાનો રમેશ બાબુ ? દેશની સૌથી મોંઘી ચા એક લાખ રુપિયે કિલો !!

  1. એક સાચા કિસ્સાને …સ્ટોરી સ્વરૂપમાં ઢાળી રસપ્રદ બનાવી દીધું…ખૂબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *