ભડભડ સળગતી ચિતા પર કુદીને એણે પોતાના જ જીવંત દેહને મુખાગ્નિ આપ્યો…!!

ન્યુઝ ડેસ્ક – લાગણી શબ્દનો પ્રયોગ સૌથી પહેલા કોણે કર્યો હશે ? તેની ખબર નથી પણ એક લેખક તરીકે એટલી જાણકારી જરુર છે કે, જ્યારે જ્યારે આ શબ્દનો ઉપયોગ થાય ત્યારે પ્રેમ, વાત્સલ્ય, દયા અને સંવેદના જેવા ભાવ અચૂક પ્રગટ થાય.

સમાજ લાગણીશૂન્ય થઈ ગયો છે એ વાક્ય તમે વાંચ્યુ હશે. પણ વિરોધાભાસ એ છે કે, દીકરીની વિદાય, બાળકનો જન્મ અને કોઈનું મૃત્યુ…જીવનના આ ત્રણ પ્રસંગો એવા છે કે, જ્યારે દરેકની આંખના ખૂણા ભીંના થઈ જાય. એને બીજુ કાંઈ નહીં પણ લાગણી જ કહેવાય.

આ અવસરો એવા છે જ્યારે પ્રત્યેક વ્યક્તિના હ્દયમાં સંવેદના કે, લાગણીનો ઉમળકો અચૂક આવે. અને આવી લાગણી જોઈને એવુ થાય કે, સમાજ લાગણીશૂન્ય નહીં પણ હજી લાગણીપ્રધાન છે.

મારી વાત કરું તો આવા જ લાગણીસભર પ્રસંગોને લખવાનો મોકો મળે એટલે કોણ જાણે કેમ ? પણ મારા હાથમાં રહેલી પેન અને મેજ પર પડેલા કાગળ વચ્ચેનો સંબંધ પણ પુનઃ જાગૃત થઈ જાય છે.

મારી કમજોરી ગણો કે, પછી સ્વભાવ…પણ શબ્દોના માધ્યમથી સંવેદનાને સ્પર્શવાની તક ઝડપી લેવાનો એકપણ મોકો હું ક્યારેય ચુકતો નથી. આજે સોશિયલ મીડિયામાં એક અહેવાલ વાંચીને હું હચમચી ગયો. મને એમ થયું કે, આવા કરુણ બનાવને લખવો જોઈએ.

વાત એમ બની કે, આજે બપોરે હું ઓફિસમાં હતો ત્યારે મારા મોબાઈલ પર એક વોટ્સએપ મેસેજ આવ્યો. મેસેજમાં એક સમાચારની લિન્ક હતી. હેડિંગ વાંચીને મને ડિટેલ વાંચવાનું મન થયું. મેં લિન્કને ખોલીને આખો અહેવાલ અક્ષરસઃ વાંચી લીધો.

અહેવાલ એવો હતો કે, વડોદરા નજીકના એક ગામડામાં એક માનસિક દિવ્યાંગ યુવકે આપઘાત કર્યો. આપઘાત એ સામાન્ય બાબત ક્યારેય ના ગણી શકાય પણ મૃતકે જે રીતે પોતાનુ જીવન ટૂંકાવ્યું તે પ્રકાર બિલકુલ અલગ હતો.

આત્મહત્યાનો પ્રકાર જાણીને હું હચમચી ગયો. વાત એવી હતી કે, યુવકે ગામના સ્મશાનમાં ભડભડ સળગતી ચિતા પર કુદીને પોતાની જાતને અગન જવાળાના હવાલે કરી દીધેલી. ભૂતકાળમાં સતી પ્રથા વિષે વાંચ્યું હતુ. જેમાં યુધ્ધમાં શહિદ થયેલા પતિની ચિતા પર વિરાંગનાઓ પોતાની જાતને હોમી દેતી હતી.

બિલકુલ એવી જ રીતે આ યુવકે પણ કોઈની સળગતી ચિતા પર પડીને આપઘાત કર્યો હતો. આ સમાચારમાં કેટલી સત્યતા છે એની મને જાણ નથી પણ જેટલું વાંચ્યુ એ અસહજ અને વિચલીત કરી દેનારું હતુ. હવે, આવતીકાલના અખબારોમાં વાંચીશ કે, હકીકત શુ બની હતી ? પણ મારા સ્વભાવ પ્રમાણે જો હું આ અહેવાલને મારા શબ્દોમાં ના લખત તો કદાચ મને રાત્રે બરાબર ઉંઘ પણ ના આવત.

ખેર, સમાચાર વાંચ્યા પછી મારા મનમાં ઉઠેલા ભાવને મેં અહીં પ્રગટ કર્યા છે. જો મારાથી લખવામાં કોઈ અતિશ્યોક્તિ થઈ હોય તો માફ કરજો.

અસ્તુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *