વડોદરાનું રિયલ એસ્ટેટ માર્કેટ પાછુ બેઠુ થયું, કોરોનાના કેસો સ્થિર થતા ગ્રાહકોની ઈન્કવાયરીમાં વધારો

ન્યુઝ ડેસ્ક – લોકડાઉન અને કોરોના કાળનાં અંત પછી ધીરેધીરે વડોદરા શહેરનું રિયલ એસ્ટેટ માર્કેટ ગતિ પકડી રહ્યુ છે. શહેરના જુદાજુદા વિસ્તારોમાં નવા બંધાઈ રહેલા ફ્લેટ અને ડુપ્લેક્ષના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે, હજી કોમર્શિયલ પ્રોપર્ટીના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વડોદરામાં શિવ કન્સલ્ટન્સીના નામે રિયલ એસ્ટેટનો બિઝનેસ કરતા પ્રતિક પ્રજાપતિ કહે છે કે, કોરોના મહામારી અને લોકડાઉનના કારણે છેલ્લા બે વર્ષથી વડોદરા શહેરના કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ બિઝનેસમાં ભારે મંદી હતી. પરંતુ, કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા હવે, શહેરના રિયલ એસ્ટેટ બિઝનેસમાં પાછો ઉછાળો આવી રહ્યો છે. પાછલા ઘણા સમયથી અમારી પાસે નવા ફ્લેટ અને ડુપ્લેક્ષ ખરીદવા ઈચ્છતા ગ્રાહકોની સારી ઈન્કવાયરી આવી રહી છે. મારી જેમ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા મિત્રો પાસે પણ ગ્રાહકોની સારી ઈન્કવાયરી છે.

હાલની વાત કરીએ તો શહેરના જુદાજુદા વિસ્તારોમાં નવી બની રહેલી સ્કિમોમાં ફરી એકવાર બુકિંગ શરુ થઈ ચુક્યા છે. શહેરના મકપુરા-માણેજા રોડ, વાસણા-ભાયલી રોડ અને હરણી વિસ્તારમાં ફ્લેટો અને ડુપ્લેક્ષોમાં બુકિંગ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વડોદરા શહેરના પોશ વિસ્તાર ગણાતા ન્યુ અલકાપુરીમાં પણ ગ્રાહકોના સારી ઈન્કવાયરી જોવા મળી રહી છે.

જોકે, હજી બિલ્ડરોમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત છે. જો, આગામી દિવસોમાં કોરોનાના કેસોની સંખ્યા નહિવત રહેશે તો શહેરના બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ માર્કેટમાં પાછી તેજી આવવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *